YouVersion Logo
Search Icon

યોહ. 7

7
ઈસુ અને તેમના ભાઈઓ
1અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા. 2હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.
3માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ. 4કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”
5કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. 6ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે. 7જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.
8 તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’” 9ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.
માંડવા પર્વમાં ઈસુ
10પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા. 11ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”
12તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’” 13તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.
14પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો. 15ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’” 16માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.
17 જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. 18જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.
19 શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’” 20લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”
21ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો. 22આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.
23 મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? 24દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”
શું એ ખ્રિસ્ત છે?
25ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? 26પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? 27તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”
28એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. 29હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”
30માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ. 31પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’” 32તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.
ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા
33ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”
35ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? 36‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”
જીવનજળનાં ઝરણાં
37હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. 38શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”
39પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.
લોકોમાં ભાગલા
40તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’” 41બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’” 42શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”
43એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં. 44તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.
યહૂદી અધિકારીઓનો અવિશ્વાસ
45ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’” 46ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”
47ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા? 48અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? 49પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”
50નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે, 51‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’” 52તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”
53પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.

Currently Selected:

યોહ. 7: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy